પ્રેમસખી પ્રેમાનંદ સ્વામીનું નામ ભારતવર્ષનાં ભક્તિકાવ્યોના વારસામાં એક મહાકવિ તરીકે ગૌરવભેર લેવામાં આવે છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગોપીનું બિરુદ મેળવનાર આ મહુપુરુષના જન્મ વિષે અનેક કિવદંતિઓ છે.
પ્રચલિત કથા પ્રમાણે અંદાજે વિક્રમ સંવત 1835 થી 40ની વચ્ચે ભરુચ જિલ્લાના ઘેરા ગામે ગાંધર્વજાતિમાં સ્વામીનો જન્મ થયો હતો. બાળપણનું નામ હાથીરામ હતુ.પાંચ વર્ષની નાજુક અવસ્થામાં માતપિતાથી વંચીત થયેલ આ બાળક નિરાધાર અવસ્થામાં નોધારાના આધાર અવિનાશીની શોધમાં વૈરાગીઓના ઝુંડમાં ફરતા ફરતા એક સરિતા સાગરને મળે તેમ સહજાનંદ સુખસિંધુમાં મગ્ન થઈ ગયા.વૈરાગીઓ હાથ ઘસતા રહ્યા અને હાથીરામ વડતાલ વિહારીને શરણે થઈ સંત બન્યા. શ્રીહરિએ “નિજબોઘાંનંદ”નામ આપ્યુ. તેમની કુદરીત બક્ષિસ કવિત્વ શક્તિને તેમણે શ્રીહરિના કાવ્યમાં વાપરીને ઉજાળવાની શરુઆત કરી પણ અંતે નામાચરણમાં કંઈ પ્રાસ લયની ખામી જણાતા શ્રીહરિએ તેમને “પ્રેમાનંદ સ્વામી એવું નામ આપ્યુ. પાછથી તેમની પંક્તિઓમાંથી નિતરતી સખ્યભક્તિને જોઈને “પ્રેમસખી”એવું પણ નામ સ્વયં શ્રીહરિએ જ આપ્યુ હતુ.
શ્રીજી મહારાજે તેમને દિક્ષા આપ્યા પછી સંગીતની વિશદ તાલીમ લેવા માટે બુરાનપુર મોકલેલ.એથી રાગ-રાગીણી,યતિ,માત્રા,સુર અને લયનું જ્ઞાન વૈજ્ઞાનિક બની ગયુ.એમના વિજ્ઞાનમાં પ્રભુપ્રેમની વસંત મઘમઘી ઊઠી પછી કહેવું જ શું ? સ્વયં શ્રીહરિભર સભામાં ઉભા થઈને હાથ જોડીને વંદના કરવા તૈયાર થઈ જાય એવી એમની ભક્તિરસ તરબતર વંદુની ગરબીઓ છે.પ્રગટ પરબ્રહ્મની સ્વરુપલીલા અને સૌંદર્યના પદો પ્રેમસખી જેટલા ભાગ્યે જ કોઈના હશે.આજે સંપ્રદાયમાં પ્રત્યેક મંદિરોમાં નિત્ય પ્રત્યે”પ્રથમ શ્રી હરિને રે…,વંદુ સહજાનંદ રસરુપ…”વિગેરે પ્રેમસખીના પદોનું ગુંજન સંભળાય છે.
પ્રેમાનંદ સ્વામી રચિત વિપુલ સાહિત્યરાશિમાંથી ચારેક હજાર પદ પ્રાપ્ય છે. જે પ્રેમાનંદ કાવ્ય નામના ગ્રંન્થમાં સંકલિત કરવામાં આવ્યા છે.
આજે પણ ગુજરાતી સાહિત્ય બાગનો એક ક્યારો જેમના પદ સર્જનથી મધમધતો રહ્યો છે એવા પ્રેમાનંદ સ્વામીએ સૌથી વધારે વિરહના પદો રચ્યા છે.કારણ કે તેમણે પંદર વર્ષ શ્રીજીના સહવાસમાં અને 25વર્ષ વિરહાસ્થામાં વિતાવ્યા છે.કવિશ્વર દલપતરામની નોંધ પ્રમાણે સ્વામી 71 વર્ષની વયે સંવત 1911 કાર્તિક વદ અમાસનારોજ ગઢપુરમાં પંચભૌતિક દેહનો ત્યાગ કરીને વિરહ આગ બુઝાવવા પરબ્રહ્મના પ્રત્યક્ષ સુખોપભોક્તા બન્યા.
જય જય શ્રી સ્વામિનારાયણ
See insights and ads
જય જય શ્રી સ્વામિનારાયણ