મહાભારતની રણભૂમિ પર બાણશય્યા ઉપર ભીષ્મ સૂતા હતાં. જરા પણ હલન ચલન એમનાં શરીરને વીંધેલા બાણ અસહ્ય વેદના આપતાં હતાં.
તેઓ દેહત્યાગ કરવા માટે ઉત્તરાયણની પ્રતીક્ષા કરતાં હતા. ભગવાન કૃષ્ણે મહારાજ યુધિષ્ઠિરને બોધ આપતાં કહ્યું કે ” કૌરવ વંશનો ભીષ્મ રૂપી સૂર્ય બહુ જલ્દી અસ્ત થવાનો છે , આથી તમે તુરંત તેમની પાસથી ધર્મ , અર્થ , કામ અને મોક્ષ – આ ચારે પુરષાર્થનું જ્ઞાન મેળવી લો ”
કેશવ સહિત સહુ પાંડવ, બ્રહ્મર્ષિ , દેવર્ષિ , મહર્ષિ અને રાજર્ષિ ,ભિષ્મ પિતામહના દર્શન કરવા આવ્યા. કૃષ્ણ ભગવાનને જોઇને ભીષ્મ પિતામહ ગદગદ થઇ ગયા અને ભાવુક થઈને એમની સ્તુતિ કરી. ત્યારે ભગવાને ભીષ્મ પિતામહને મહારાજ યુધિષ્ઠિરને યોગ્ય ધર્મ ઉપદેશ આપવા કહ્યું.
પિતામહે કહ્યું ” મારા શરીરમાં બહુ વેદના છે , આખું શરીર શીથીલ થઇ ગયું છે , બુદ્ધિ કામ નથી કરતી , આ બાણો વિષ અને આગની સમાન અસહ્ય પીડા આપે છે. બળ ઓછું થઇ રહ્યું છે , પ્રાણ નીકળવા વ્યાકુળ છે , કમજોરીથી તાળવું સુકાઈ ગયું છે . ના દિશાઓનું જ્ઞાન છે , ના આકાશનું , ના પૃથ્વીનું . આથી આવી દશામાં હું કયાંથી ઉપદેશ આપું , આથી મને ક્ષમા કરો , મારાથી કંઈ બોલી નહિ શકાય”
કૃષ્ણ ભગવાન પિતામહ ભીષ્મ પર કૃપા કરવા બોલ્યાં ” હું તમારી અવસ્થા સમજુ છું આથી હું આપને વરદાન આપું છું કે આ ક્ષણથી આપને ના મૂર્ચ્છા આવશે , ના ગ્લાની , ના દાહ થશે , ના રોગ . ભૂખ અને તરસનું કષ્ટ પણ નાશ પામશે . તમારા અત:કરણમાં સહુ જ્ઞાન ફરી પ્રગટ થશે. તમારી બુદ્ધિ કોઈ પણ વિષયમાં કુંઠિત નહિ થાય. મન સદા સત્વ ગુણોમાં પ્રવર્તિત થશે અને રજો ગુણ અને તમો ગુણ તમને અસર નહિ કરે. તમે દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત કરીને ભૂત , ભવિષ્ય અને વર્તમાન આ દરેક કાળમાં દરેક પ્રકારનાં પ્રાણીઓ હાથમાં પડેલા પુષ્પની જેમ જોઈ શકશો”
આવું વરદાન આપી ભગવાને કહ્યું કે અમે ફરી કાલે આવશું એમ કહી પાછા વળ્યાં. આ કથા પ્રસંગ બીજા દિવસે જયારે પ્રભુ પાડવો સહિત મળવા આવ્યા ત્યારનો છે :
ભગવાન કૃષ્ણ પૂછે છે ” પિતામહ , આપની રાત સુખથી તો વીતી ? આપની બુદ્ધિમાં વિવેક જાગ્રત તો છે ? આપને સહુ પ્રકારનું જ્ઞાન ભાસિત તો થાય છે ને ? હૃદયમાં દુ:ખ તો નથી ને ? મનમાં વ્યથા તો નથી ને ?”
પિતામહ કહે છે ” મારા શરીરની જલન , મનનો મોહ , થાક , વિકળતા , શોક અને રોગ આ બધું આપની કૃપાથી દુર થઇ ગયા છે , અને હવે હું કલ્યાણકારી ઉપદેશ આપવા સમર્થ છું પણ મહારાજ યુધિષ્ઠિર એમનાં પ્રશ્ન પૂછે તે પહેલા મારે કંઈક જાણવું છે ”
પિતામહ , કેશવને પૂછે છે : હે જગન્નાથ , આપ તો સર્વ વસ્તુ , કાળનાં જ્ઞાતા છો , અહીં સર્વ એ જાણવા માંગે છે કે કયા પાપનાં કારણસર મને આવો કઠોર દંડ મળ્યો છે ?
ભગવાન કહે છે ,” પિતામહ , હવે તમારી પાસે તો દિવ્ય દ્રષ્ટિ છે જેનાથી તમે તમારા પૂર્વ જન્મ જોઈ શકો છો તો તમે પોતે જ જાણી લો ”
પિતામહ કહે છે ” દેવકી નંદન , હું અહીં એકલો વીરશૈયા પર બીજું શું કરી શકું છું ? આપે આપેલા વરદાનથી મેં બધું જોઈ લીધું – મારા પૂર્વનાં ૧૦૦ જન્મો માં મેં એક પણ એવું કર્મ નથી કર્યું કે જેને કારણે મારું શરીર વીંધાઈને પડ્યું રહે અને આવતી દરેક પળ અનેક ઘણી પીડા લઈને આવે છે. વસ્તુત: મેં આ દરેક જન્મોમાં અનેક પુણ્ય ભેગાં કર્યાં છે.”
પ્રભુ કહે છે ,” પિતામહ , આપ હજુ એક જન્મ પાછળ જાવ અને તમને જરૂરથી ઉત્તર મળશે”
ભીષ્મ પિતામહ ફરી ધ્યાન લગાવી પોતાનો ૧૦૧મો જન્મનો કર્મનો હિસાબ જોવા બેઠાં. એ ભવમાં તેઓ એક નગરનાં રાજા હતાં. એક સમયે તેઓ મૃગયા કરવા પોતાનાં ચુનંદા સેનાનીઓ લઈને નીકળ્યાં. તે સમયે રસ્તામાં એક સર્પ માર્ગમાં પડ્યો હતો.
એક સાથીએ પૂછ્યું ” આ સર્પનું શું કરવું જે માર્ગમાં પડ્યો છે ? અગર આપણાં ઘોડાઓ એના પર પસાર થશે તો એ તુરંત મૃત્યુ પામશે ”
રાજાએ કહ્યું ” એને લાકડીથી લપેટીને બાજુની ઝાડી ઉપર ફેંકી દો” , એ સાથીએ હુકમ માનીને એમ કર્યું પણ દુર્ભાગ્ય વશ એ ઝાડીઓ કાંટાળી હતી આથી એ સર્પનાં એમાં અટવાઈ ગયો , જેમ જેમ એ નીકળવાનો પ્રયત્ન કરવા લાગ્યો તેમ એ કાંટાઓ એના શરીરમાં અંદર ખુંપી જવા લાગ્યા અને એની પીડા વધવા લાગી , શરીરમાંથી લોહી નીકળવા લાગ્યું અને બહુ ધીમે તે મૃત્યુનાં મુખમાં ધપવા લાગ્યો અને ૫૮ દિવસ બાદ મૃત્યુ પામ્યો.
પિતામહ ભીષ્મે કહ્યું ” ત્રિલોકી નાથ , આપ તો જાણો છો કે મેં જાણી જોઇને આવો આદેશ નથી આપ્યો , તદુપરાંત મારો આશય તો એ સર્પને બચાવાનો હતો તો એની સજા મારે શું કરવા ભોગવવી ?
કૃષ્ણ બોલ્યા ” તાત શ્રી , આપણે હાથે કરીને કરીએ કે અજાણતાંથી કરીએ પરંતુ એ ક્રિયા તો થાય છે , એ સર્પના પ્રાણ તો ગયા અને એણે એ પીડા સહન કરવી પડી. વિધીનું વિધાન છે કે જે કર્મ આપણે કરીએ છીએ એનું ફળ આપણે ભોગવવું પડે છે. તમારાં ૧૦૦ જન્મોનાં પુણ્ય એટલાં પ્રબળ હતા કે તમારું એ પાપ એ જન્મારોમાં ક્યારે ઉદિત ના થયું , પરંતુ આ ભવમાં તમારે એનું ફળ ભોગવવું પડ્યું.”
મહાભારત મુજબ , પિતામહ ભીષ્મ યુદ્ધનાં ૫૮ દિવસ બાદ પ્રાણનો ત્યાગ કર્યો.